શનિવાર, 29 ઑગસ્ટ, 2026

2026 એટલે ઇલેક્શન ઈયર

તંત્રીલેખ તારીખ તા.૬.૧.૨૬
2026 એટલે ઇલેક્શન ઈયર



++++++++++
આ વર્ષે ભારતમાં અને વિશ્વમાં મોટાભાગના દેશોમાં એક યા બીજા પ્રકારે નાની મોટી ચુંટણીઓ યોજવાની છે.૨૦૨૬નું વર્ષ ભારત અને દુનિયા બંને માટે લોકશાહી દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું સાબિત થવાનું છે. એક જ વર્ષે ભારતના પાંચ મોટા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી અને સાથે સાથે દુનિયાના ૩૬થી વધુ દેશોમાં સામાન્ય ચૂંટણીઓ થવી એ માત્ર સંયોગ નથી, પરંતુ બદલાતી રાજકીય દિશા અને જનમાનસના મૂડનો સંકેત પણ છે. ચૂંટણી માત્ર સત્તા બદલવાની પ્રક્રિયા નથી, તે જનતાની આશાઓ, અસંતોષ અને ભવિષ્યની અપેક્ષાઓ વ્યક્ત થવાનું માધ્યમ છે.

ભારતમાં ૨૦૨૬માં પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાશે. આ પાંચ રાજ્યો મળીને દેશની લગભગ ૧૭ ટકા વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે આ ચૂંટણીના પરિણામો માત્ર રાજ્ય પૂરતા સીમિત નહીં રહે, પરંતુ રાષ્ટ્રીય રાજકારણ પર પણ તેની અસર પડશે. ખાસ કરીને ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પછી આ પહેલી મોટી રાજકીય કસોટી ગણાશે.

પશ્ચિમ બંગાળમાં છેલ્લા ૧૪ વર્ષથી મમતા બેનર્જી અને તેમની તૃણમૂલ કોંગ્રેસનું પ્રભુત્વ છે. જો ૨૦૨૬માં ફરીથી તેમની જીત થાય તો મમતા બેનર્જી સતત ચોથી વખત મુખ્યમંત્રી બનશે, જે ભારતીય રાજકારણમાં એક નવો ઈતિહાસ હશે. બંગાળમાં ભાજપ સતત પોતાની પકડ મજબૂત કરવાની કોશિશ કરી રહી છે, પરંતુ મમતા બેનર્જીની લોકપ્રિયતા, પ્રાદેશિક અસ્મિતા અને કેન્દ્ર સામેના તેમના આક્રમક વલણને કારણે લડાઈ સરળ નથી. આ ચૂંટણી એ પણ બતાવશે કે શું બંગાળની જનતા સતત એક જ નેતૃત્વ પર વિશ્વાસ રાખશે કે પછી બદલાવ ઈચ્છે છે.

આસામમાં ભાજપ છેલ્લા દસ વર્ષથી સત્તામાં છે અને હવે ત્રીજા કાર્યકાળ માટે પ્રયાસ કરી રહી છે. સરહદી રાજ્ય હોવાને કારણે બાંગ્લાદેશી ઘૂસણખોરી, સુરક્ષા, નાગરિકતા અને આસામી ઓળખ જેવા મુદ્દા અહીં કેન્દ્રમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વારંવારના પ્રવાસો એ સૂચવે છે કે ભાજપ આ રાજ્યને ખૂબ જ મહત્વ આપે છે. સામે પક્ષે કોંગ્રેસ અને અન્ય પ્રાદેશિક પક્ષોનું ગઠબંધન ભાજપ માટે પડકાર ઉભો કરી શકે છે. આ ચૂંટણી એ પણ નક્કી કરશે કે શું ભાજપની વિકાસ અને રાષ્ટ્રવાદની રાજનીતિ અહીં હજુ પણ અસરકારક છે કે નહીં.

તમિલનાડુ અને કેરળ એવા રાજ્યો છે જ્યાં ભાજપ આજ સુધી વિધાનસભા ચૂંટણીમાં સફળતા મેળવી શકી નથી. તમિલનાડુમાં છેલ્લા છ દાયકાથી દ્રવિડિયન રાજકારણ હાવી રહ્યું છે. ડીએમકે અને એઆઈએડીએમકે વચ્ચેની લડાઈમાં ભાજપને હંમેશા ગૌણ ભૂમિકા મળી છે. હવે એઆઈએડીએમકે સાથે સંભવિત ગઠબંધન અને ફિલ્મસ્ટાર વિજયની નવી પાર્ટીના પ્રવેશથી રાજકારણ વધુ જટિલ બન્યું છે. અહીં ભાજપ માટે આ ચૂંટણી માત્ર જીત માટે નહીં, પરંતુ પોતાની હાજરી મજબૂત કરવાની લડાઈ પણ છે.

કેરળમાં ડાબેરી પક્ષોની મજબૂત પરંપરા છે. ૨૦૨૧માં એલડીએફે સતત બીજી વખત સરકાર બનાવીને ઇતિહાસ તોડ્યો હતો. સામાન્ય રીતે કેરળમાં સત્તા બદલાતી રહેતી હતી. કોંગ્રેસના નેતૃત્વવાળા યુડીએફ માટે આ વખતે સત્તા વિરોધી લહેર એક આશા બની શકે છે. ભાજપે વિધાનસભામાં હજુ સુધી ખાતું ખોલ્યું નથી, પરંતુ લોકસભા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મળેલી સફળતા એ સૂચવે છે કે પાર્ટી ધીમે ધીમે જમીન તૈયાર કરી રહી છે.

પુડુચેરી નાના રાજ્ય હોવા છતાં રાજકીય રીતે મહત્વપૂર્ણ છે. ૨૦૨૧માં કોંગ્રેસ સરકારના પતન બાદ AINRC-ભાજપ ગઠબંધન સત્તામાં આવ્યું હતું. આ ચૂંટણી એ નક્કી કરશે કે જનતા આ ગઠબંધનથી સંતોષી છે કે કોંગ્રેસ-ડીએમકે ફરીથી વિશ્વાસ જીતશે. નાના રાજ્યોમાં રાજકીય અસ્થિરતા અને ગઠબંધનોની ભૂમિકા વધુ સ્પષ્ટ રીતે દેખાય છે.

ભારતની બહાર જો નજર કરીએ તો ૨૦૨૬માં દુનિયાના ૩૬થી વધુ દેશોમાં ચૂંટણી યોજાવાની છે. બાંગ્લાદેશ, નેપાળ અને ઇઝરાયલ ખાસ કરીને ચર્ચામાં છે. બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ પછી થનારી ચૂંટણી દેશના ભવિષ્ય માટે નિર્ણાયક સાબિત થશે. શેખ હસીનાની ગેરહાજરી અને અવામી લીગ પર પ્રતિબંધ પછી નવી રાજકીય વ્યવસ્થા ઉભી થવાની શક્યતા છે. ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાનની સંભાવિત આગેવાની દેશને નવી દિશા આપી શકે છે.

નેપાળમાં જન-ઝેડ આંદોલન બાદ થનારી પહેલી ચૂંટણી એ બતાવશે કે યુવા પેઢી રાજકારણમાં કેટલો ફેરફાર લાવી શકે છે. અનેક કમ્યુનિસ્ટ પક્ષોનું એકીકરણ પણ રાજકીય સ્થિરતા તરફનો પ્રયાસ ગણાય છે. ઇઝરાયલમાં સતત રાજકીય અનિશ્ચિતતા અને યુદ્ધની પૃષ્ઠભૂમિમાં થનારી ચૂંટણી બેન્યામિન નેતન્યાહૂના ભવિષ્યનો નિર્ણય કરશે.

આ બધાની વચ્ચે એક સામાન્ય પ્રશ્ન ઊભો થાય છે કે શું લોકશાહી આજે પણ લોકોની અપેક્ષાઓ પૂરી કરી રહી છે. ચૂંટણીમાં મતદાન માત્ર અધિકાર નહીં, પરંતુ જવાબદારી પણ છે. ૨૦૨૬ની ચૂંટણીઓ એ નક્કી કરશે કે જનતા સ્થિરતા પસંદ કરે છે કે બદલાવ, ઓળખની રાજનીતિ મહત્વની છે કે વિકાસ અને રોજગારી. ભારત હોય કે દુનિયા, લોકશાહીની તાકાત અંતે જનતાના સમજદાર નિર્ણય પર નિર્ભર છે. ૨૦૨૬ એ વર્ષ હશે, જ્યારે મતદારો માત્ર સરકાર નહીં, પરંતુ ભવિષ્યની દિશા પસંદ કરશે.
સુરેશ ભટ્ટ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો