પરિચય પુસ્તિકા પોલિટિક્સ નં ૦૧
વૈશ્વિક સંતુલન માટે પીએમનો ચીન પ્રવાસ
++++++++
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની ચીન યાત્રા માત્ર શિષ્ટાચારની મુલાકાત તરીકે જોવાની નથી. આ યાત્રા ભારતની વિદેશ નીતિ, આર્થિક વ્યૂહરચના અને વૈશ્વિક સંતુલન માટે એક મહત્વપૂર્ણ તબક્કો સાબિત થઈ શકે છે. જાપાન પ્રવાસ બાદ મોદીએ ચીનની ધરતી પર પગ મુક્યો ત્યારે તેમને અપાયેલું ભવ્ય સ્વાગત એ માત્ર રાજકીય ઔપચારિકતા ન હતી પરંતુ બંને દેશો વચ્ચે સંબંધોની નવી દિશા દર્શાવતું સંકેત હતું. સાત વર્ષ બાદ થયેલી આ મુલાકાતને ભારત અને ચીન બંને માટે ઊંડા વ્યૂહાત્મક અર્થોમાં જોવામાં આવી રહી છે.
ભારત અને ચીન એશિયાની બે મોટી શક્તિઓ છે. બંને દેશોની વસ્તી, અર્થતંત્ર અને રાજકીય વજન વિશ્વના તાકાતના સંતુલનને અસર કરે છે. પરંતુ વેપાર ક્ષેત્રે ભારતને ચીન સામે મોટી ખાધનો સામનો કરવો પડે છે. હાલની પરિસ્થિતિ મુજબ ભારતને લગભગ 99 અબજ ડોલર જેટલું વેપાર નુકસાન સહન કરવું પડે છે, જે ગંભીર ચિંતાનો વિષય છે. મોદીની આ મુલાકાતનો મુખ્ય હેતુ આ વેપાર અસમાનતાને ઘટાડવાનો અને સંતુલિત સહકારની દિશામાં આગળ વધવાનો છે. ચીનનું ઉત્પાદન ક્ષેત્ર વિશ્વભરમાં પ્રખ્યાત છે જ્યારે ભારત પાસે વિશાળ ગ્રાહક બજાર છે. જો બંને દેશો સંતુલિત વેપાર નીતિ અપનાવે તો પરસ્પર લાભની નવી તકો ઊભી થઈ શકે છે.
પરંતુ આ યાત્રાનો વ્યાપ માત્ર આર્થિક મર્યાદામાં જ બંધાતો નથી. તેમાં ભૂરાજકીય પરિબળો પણ એટલા જ મહત્વપૂર્ણ છે. જાપાનની મુલાકાત બાદ મોદીની ચીન યાત્રા એ સ્પષ્ટ સંદેશ આપે છે કે ભારત એશિયામાં સંતુલન સાધવા માટે સક્રિય ભૂમિકા ભજવવા માગે છે. અમેરિકા લાંબા સમયથી પોતાનું પ્રભુત્વ જાળવવા ભારત, રશિયા અને ચીન જેવા દેશોને પડકારરૂપ માની રહ્યું છે. ટ્રમ્પના સમયમાં વધારવામાં આવેલા ટેરિફ અને આર્થિક દબાણો માત્ર ચીનને જ નહીં પરંતુ ભારત અને જાપાનને પણ અસર કરતા રહ્યા છે. આવી પરિસ્થિતિમાં ભારત અને ચીનની નજીક આવવાની શક્યતા અમેરિકા માટે મોટો ફટકો બની શકે છે.
અમેરિકન અર્થતંત્રની હાલની નબળાઈ અને તેના આંતરિક રાજકીય તણાવોએ વિશ્વના ઘણા દેશોને નવા વિકલ્પો શોધવા પ્રેર્યા છે. ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે તેનું વિકાસ મોડેલ અન્ય દેશોને નુકસાન પહોંચાડીને નથી પરંતુ સહકાર દ્વારા છે. આ જ ભારતની વિદેશ નીતિનો મૂળ આધાર છે. મોદીની ચીન મુલાકાત એ સંદેશને વધુ મજબૂત બનાવે છે કે ભારત પોતાની તાકાત સહકાર અને પરસ્પર વિશ્વાસથી વધારે છે.
આ યાત્રાથી એ પણ સ્પષ્ટ થાય છે કે ભારત વૈશ્વિક પાટા પર પોતાનું સ્થાન મજબૂત કરવા માંગે છે. ચીન સાથેના સંબંધો સુધારવા માત્ર દ્વિપક્ષીય લાભ માટે જ નહીં પરંતુ એશિયાના રાજકીય સંતુલન માટે પણ અગત્યના છે. જો ભારત અને ચીન પરસ્પર સહકારની દિશામાં આગળ વધે તો અમેરિકા જેવી પરંપરાગત મહાશક્તિઓ માટે પડકાર ઊભો થઈ શકે છે. પરંતુ ભારતની નીતિ હંમેશાં એવી રહી છે કે તે કોઈ દેશ વિરુદ્ધ દાદાગીરી નહીં કરે, પરંતુ સમાનતાના આધારે પોતાનું સ્થાન મજબૂત કરે.
મોદીની આ યાત્રા એ સંદેશ આપે છે કે ભારત હવે વિશ્વ મંચ પર પોતાના હિતોને દૃઢતાથી આગળ રાખશે અને સાથે સાથે સહકાર તથા સંતુલન જાળવશે. વેપાર ખાધ ઘટાડવા, નવી ટેકનોલોજીમાં સહકાર વધારવા અને રાજકીય સંવાદ દ્વારા વિશ્વાસ મજબૂત કરવાના પ્રયાસો આ યાત્રાના મુખ્ય તત્વો છે. આથી સ્પષ્ટ છે કે આ મુલાકાત માત્ર એક રાજકીય ઘટના નથી પરંતુ ભારતની વૈશ્વિક વ્યૂહરચનાનો એક મોટો તબક્કો છે.
આથી કહી શકાય કે વડાપ્રધાન મોદીની ચીન યાત્રા ભારતના ભવિષ્ય માટે આશાવાદી સંકેત છે. એશિયાના રાજકીય નકશામાં ભારતની સક્રિય હાજરી વધારશે અને વૈશ્વિક અર્થતંત્રમાં ભારતનો અવાજ વધુ પ્રબળ બનશે. આ યાત્રા ભારતની પરિપક્વ વિદેશ નીતિનું પ્રતિક છે જે સહકારને આધારે પોતાના હિતોને મજબૂત બનાવીને વિશ્વને નવી દિશા આપવાની ક્ષમતા ધરાવે છે.
-સુરેશ ભટ્ટ
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें